વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રવેશ લેનારા ગુજરાતની ૫૮ યુનિ.ઓના ૯૩૦ Ph.D.વિદ્યાર્થીને સ્ટાઈપેન્ડ મળશે
માસિક સ્ટાઈપેન્ડ યોજના અંતર્ગત સરકારે ગુજરાતની સરકારી ખાનગી અને સેકટોરિયલ સહિતની ૫૮ યુનિ.ઓના ૨૦૨૧-૨૨ના ૯૩૦ પીએચડીવિદ્યાર્થીઓની અરજી મંજૂર કરી છે. આ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસિક ૧૫ હજાર અને વાર્ષિક ૨૦ હજારની સહાય આપવામા આવશે.૨૦૨૧-૨૨માં કુલ ૧૪૯૬ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. વિદ્યાર્થીને માસિક ૧૫ હજાર સ્ટાઈપેન્ડ અને વાર્ષિક ૨૦હજાર કન્ટીજન્સી ખર્ચ પેટે મળશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પીએચડી વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે શરૂ કરાયેલી શોધ યોજના અંતર્ગત માસિક ૧૫ હજાર સ્ટાઈપેન્ડ અપાય છે અને વાર્ષિક ૨૦ હજાર કન્ટીજન્સી ખર્ચ પેટે આપવામાં આવે
છે. ૨૦૧૯માં શરૂ થયેલી આ યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ બાદ ૨૦૨૧-૨૨ના વિદ્યાર્થીઓની
અરજીઓ મંગાવાઈ હતી.ગત વર્ષે રાજ્યની વિવિધ યુનિ.ઓમાં પીએચડીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની યુનિ.કક્ષાએ કુલ ૧૪૯૬ અરજીઓ આવી હતી. અરજી કરનારા આ ૧૪૯૬ વિદ્યાર્થીઓમાંથી યુનિ.દ્વારા વેરિફિકેશન કરાતા યુનિ.ઓએ સરકારની કેસીજી કચેરી, ખાતે ૧૨૯૨ વિદ્યાર્થીઓની અરજી મોકલી હતી. જેમાંથી વિવિધ માપદંડોને આધારે કમિટી દ્વારા ૯૩૦ વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે. સરકારની આ યોજનામાં દર વર્ષે એક હજાર વિદ્યાર્થીઓને જ સહાય આપવાનું નક્કી કરાયું છે ત્યારે આ ગત વર્ષના ૯૩૦ વિદ્યાર્થીઓને માસિક સ્ટાઈપેન્ડ અને વાર્ષિક કન્ટીજન્સી ખર્ચ મળશે. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ૮ યુનિ.ઓના આર્ટસ, કોમર્સ, સાયન્સ, ઈજનેરી, ફાર્મસી,એજ્યુકેશન, ફોરેન્સિક સાયન્સ સહિતની ફેકલ્ટીના ૯૩૦ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી સહાય મળશે.વર્ષે બે લાખ એમ બે વર્ષના કુલ ૪ લાખ લેખે સરકાર દ્વારા કુલ ૩૭ કરોડ ૨૦ લાખ રૂપિયાની સહાય કરાશે.
આ અરજીઓનું સ્ક્રુટીની સમિતિ દ્વારા અરજી કરેલ વિદ્યાર્થીઓના રિસર્ચ પ્રપોઝલનું મૂલ્યાંકન સંશોધનનાં લક્ષ્યો અને ઉદ્દેશો,રીસર્ચ પ્રપોઝલની મૌલિકતા અને જે-તે વિષય માટે નવીનતા, સંશોધન ડિઝાઇન અને પદ્ધતિઓની સ્પષ્ટતા, અપેક્ષિત પરિણામોનું મહત્વ,સમાજ ઉપયોગી ક્ષેત્રના સંદર્ભમાં સંશોધન દરખાસ્ત ઉપયોગનું મહત્વ,પર્યાપ્ત અને સંબંધિત સાહિત્ય સર્વેક્ષણ/ સમીક્ષા વગેરે માપદંડને ધ્યાને લઈને આ 930 વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળશે
ગુજરાત રાજ્યમાં આ યોજના લાગુ કરવાનો એક મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રેરણા આપવાનો તથા આ યોજનાથી જે કોઈ વિદ્યાર્થી પોતાના ક્ષેત્રમાં સંશોધન કરે તેનાથી ગુજરાત રાજ્યની જ્ઞાન સંપદામાં વૃદ્ધિ કરવાનો છે. આમ મૂળ હેતુ વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહિત કરી આગળ વધારવાનો છે.